ભારતમાં થોડા કલાકોમાં જ જેટલી કાર વેચાય એટલી પાકિસ્તાન 1 મહિનામાં પણ નથી વેચાતી

ભારતીય ઓટો સેક્ટર ઝડપથી વધી રહ્યું છે. વિશ્વની અનેક મોટી કંપનીઓની નજર ભારત પર ટકેલી છે. આ જ કારણ છે કે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર માર્કેટ બની ગયું છે.

બીજી બાજુ પડોશી દેશ પાકિસ્તાન છે. જ્યાં ભૂતકાળમાં કથળતી અર્થવ્યવસ્થાના કારણે કાર કંપનીઓના કારખાનાઓને તાળા મારી દેવાની સ્થિતિ સર્જાઈ હતી.

જો કે, જો આપણે ભારત સાથે કારના વેચાણની તુલના કરીએ તો, ભારતમાં થોડા કલાકોમાં જેટલી કાર વેચાય છે તેટલી કાર વેચવામાં પાકિસ્તાનમાં એક મહિનો લાગે છે. 

પાકિસ્તાન ઓટોમોટિવ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (PAMA) અનુસાર, માર્ચ મહિનામાં પાકિસ્તાનમાં પેસેન્જર કારના કુલ 7,672 યુનિટ વેચાયા હતા. 

ભારતમાં સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) અનુસાર માર્ચ મહિનામાં પેસેન્જર કારના 3,69,381 યુનિટ વેચાયા હતા.

માત્ર માર્ચ મહિનામાં જ બંને દેશોમાં કારના વેચાણમાં અંદાજે 3,61,709 યુનિટનો તફાવત છે. આના પરથી તમે પાકિસ્તાનમાં કારના વેચાણનો અંદાજ મેળવી શકો છો.

પાકિસ્તાનમાં કાર કંપનીઓના પર્સનલ વેચાણ પર નજર કરીએ તો સુઝુકી સૌથી મોટી કાર કંપની છે. સુઝુકીએ માર્ચમાં કુલ 3,969 યુનિટ્સનું વેચાણ કર્યું છે.  

બીજા સ્થાને જાપાનની કાર કંપની હોન્ડા રહી. આ સમયગાળા દરમિયાન હોન્ડાએ કુલ 1994 યુનિટ વેચ્યા છે. 

આ સિવાય ટોયોટા અને હ્યુન્ડાઈ અનુક્રમે 1547 યુનિટ અને 162 યુનિટ સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે. આ ચાર મોટી કંપનીઓની કાર પાકિસ્તાનમાં સૌથી વધુ વેચાય છે.  

સુઝુકી અલ્ટો પાકિસ્તાનની સૌથી સસ્તી કાર છે. તેની કિંમત 23.31 લાખ પાકિસ્તાની રૂપિયા (PKR) થી શરૂ થાય છે. જે ભારતીય ચલણ અનુસાર અંદાજે 6.97 લાખ રૂપિયા હશે.