આ યુવકે વ્હીલચેર ક્રિકેટને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અપાવી સિદ્ધી

ભારતમાં વ્હીલચેર ક્રિકેટે ટૂંકા ગાળામાં જ ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. 

આ રમતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધ કરવા મનીષ પટેલ નામના એક ગુજરાતી દિવ્યાંગની આકરી મહેનત છે.

મનીષ પટેલનું જીવન ઘણા સંઘર્ષોથી ભરેલું હતું. વ્હીલચેર ક્રિકેટને કારણે તેઓના જીવનને એક નવી રાહ મળી હતી.

તેઓએ હાલ પોતાનું સંપૂર્ણ જીવન વ્હીલચેર ક્રિકેટને સમર્પિત કર્યું છે.

મનીષભાઈ પટેલે ખૂબ જ નાની ઉંમરમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી. 

ત્રણ વર્ષ સુધી તેઓની દાદીએ સારસંભાળ કરી હતી મનીષભાઈને મોટા કર્યા હતા. 

દાદીના અવસાન બાદ મનિષભાઈએ વિવિધ આશ્રમોમાં તેમજ અનાથાશ્રમમાં પોતાનું જીવન પસાર કર્યું હતું. 

2004માં મનીષભાઈ પટેલનો ગંભીર અકસ્માત થયો હતો.

આ અકસ્માતના કારણે તેઓએ એક પગ ગુમાવી દીધો હતો.

અકસ્માતની સારવારમાં લગભગ એક કરોડ રૂપિયાથી વધારે રૂપિયા ખર્ચ્યા હતા. 

મનીષભાઈ પત્ની અને બાળકીને સાસરે મૂકી રેલવે સ્ટેશન પર જીવન ગુજારતા હતા. ટ્રેનમાં જે મળે તે ખાઈ તેઓ જીવન પસાર કરતા હતા.

મનીષભાઈએ એક વખત ટ્રેનમાં મુસાફરી કરતી વેળાએ વ્હીલચેર ક્રિકેટની ટીમની જાહેરાત જોઈ હતી.

જીવનને નવો વળાંક આપવા તેઓએ ચંદીગઢની ટ્રેન પકડી હતી. આ નિર્ણયે મનીષભાઈનું જીવન બદલી નાખ્યું હતું. 

ત્યારબાદ તેમણે સતતત વ્હીલચેર ક્રિકેટને વિકસાવવાના પ્રયત્નો ચાલુ રાખ્યા છે અને વધુમાં વધુ દિવ્યાંગ લોકોને આ ક્ષેત્રે જોડવાનો પ્રયાસ કરે છે. 

2016માં મનીષભાઈને પેરાસ્પોર્ટ ફાઉન્ડેશન, દિલ્હીની મદદથી પહેલી વખત આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત તરફથી રમવાની તક મળી હતી. 

તેઓએ ટીમ લીડર સાથે કેપ્ટનની જવાબદારી આ પ્રત્યોગિતામાં નિભાવી હતી.

મનીષભાઈએ ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિયેશનની સ્થાપના કરી તેનો ચેરમેન પદ સંભાળ્યું હતું.

તેઓએ વ્હીલચેર ક્રિકેટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન પદે પણ સેવા બજાવી હતી.

ત્યારબાદ ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના કરી હતી.

આજે એશિયાના 12 દેશો અને યુરોપના 6 દેશો ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ કાઉન્સિલ સાથે જોડાયેલા છે.

આગામી ડિસેમ્બર માસમાં આ કાઉન્સિલ વિશ્વના પ્રથમ વ્હીલચેર ક્રિકેટ એશિયા કપનું આયોજન કરશે.