મોદક બનાવતા નથી આવડતું?  આ રહી સૌથી સરળ રેસિપી

આજે અમે તમને ઘરે બેઠા સ્વાદિષ્ટ મોદક બનાવવાની રીત વિશે જણાવીશું. 

તેના માટે તમે એક લીલું નારિયેળ, દોઢ વાટકી સાકર અથવા ગોળ, બે ચમચી ખસખસ, સાત-આઠ એલચી, ચાર-પાંચ પેંડા કે માવો, બે વાટકી ચોખાનો લોટ, બે ચમચી ઘી અને થોડું મીઠું લો. 

લીલા નાળિયેરનું છીણ કરી તેમાં ગોળ અથવા સાકર મિક્સ કરીને ગેસ પર ધીમા તાપે ગરમ કરો.

તેમાં ખસખસ, એલચીના દાણા, સૂકી દ્રાક્ષ, માવો અથવા પેંડાનો ભૂકો નાખી હલાવો. 

ધીમા તાપે સતત હલાવતાં રહો, નહીં તો મિશ્રણ વાસણમાં ચોંટી જશે. મિશ્રણને બરાબર ઘટ્ટ બનાવવું.

ઢીલું રહેશે તો મોદક બનાવ્યા પછી મોદક બહારથી ચીકણા થઈ જશે.

એક વાસણમાં બે વાટકી પાણી લઈને ગરમ કરો. પાણી ઉકળે એટલે તેમાં એક ચપટી મીઠું, ઘી અથવા તેલ નાખો. 

હવે તેમાં ધીરે ધીરે ચોખાનો લોટ નાખતા જાવ. પછી ઢાંકણ ઢાંકી થોડી વાર સીઝવા દો. તાપ એકદમ ધીમો રાખવો.

થોડી વાર પછી બધું પાણી લોટમાં ચુસાઈ જાય ત્યારે આંચ પરથી તપેલું ઉતારી લઈ એક થાળીમાં લોટ કાઢો.

તેને હાથ પર ઘી લગાવી ગરમ ગરમ લોટ જ ગૂંદી લેવો. હવે લોટના ગોળા બનાવવા.

તેના વચ્ચે ખાડો પહેલાથી તૈયાર કરેલું પૂરણ ભરી મોદકના આકારમાં ગોળા બંધ કરતા જાવ.

આપણે જે રીતે લીલવાની કચોરી બનાવીએ છીએ. તે રીતે મોદકને પણ આકાર આપવો જોઇએ.

આમ બધા ગોળામાં પૂરણ ભરાઈ જાય પછી એક તપેલીમાં પાણી ગરમ મૂકવું. 

ત્યાર બાદ એના પર એક ચારણીમાં પાતળું કપડું પાથરી એના પર તૈયાર કરેલા બધા ગોળા મૂકી 15 મિનિટ સુધી બાફી લેવા.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો