Ather Halo સ્માર્ટ હેલ્મેટ લોન્ચ, મળે છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી શકો
Ather Energyએ કોમ્યુનિટી ડેના અવસર પર બે નવી પ્રોડક્ટ લોન્ચ કરી હતી. પ્રથમ, કંપનીએ નવું રિઝ્ટા ફેમિલી સ્કૂટર રજૂ કર્યું છે અને બીજું તેણે નવું હેલો સ્માર્ટ હેલ્મેટ લોન્ચ કર્યું છે.
Ather Rizta કંપની દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રથમ ફેમિલી ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જેની પ્રારંભિક કિંમત 1.09 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
જ્યારે Ather Halo એક સ્માર્ટ હેલ્મેટ છે જે ફુલ ફેસ અને હાફ ફેસ એમ બંને વર્ઝનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવું સ્માર્ટ હેલ્મેટ અનેક ફિચર્સથી સજ્જ છે.
Ather Halo હેલ્મેટના હાફ-ફેસ વર્ઝનની પ્રારંભિક કિંમત 4,999 રૂપિયા અને ફુલ-ફેસ વર્ઝનની પ્રારંભિક કિંમત 12,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
કંપનીનું કહેવું છે કે આ સ્માર્ટ હેલ્મેટને સંપૂર્ણપણે નવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે. તેમાં હાઇ ક્વોલિટી પેડિંગ, શેલ અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ હેલ્મેટ ISI અને DOT સર્ટિફાઇડ છે અને પહેરનારને ફૂલ સિક્યોરિટી પૂરી પાડે છે. તેમાં ઘણી વિશેષતાઓ છે જે તેને ટ્રેડિશનલ હેલ્મેટથી અલગ બનાવે છે.
તેમાં ઈન્ટિગ્રેટેડ એર વેન્ટ્સ છે, જેનો અર્થ છે કે પહેરનારને એર વેન્ટિલેશન માટે વારંવાર હેલ્મેટ વિઝર ખોલવાની જરૂર રહેશે નહીં.
અથેરે આ હેલ્મેટમાં હરમન કાર્ડનના બે નાના સ્પીકર આપ્યા છે. આ સ્પીકર્સ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તેઓ બહારના અવાજને કેન્સલ કર્યા વિના વધુ સારો વોઇસ પ્રોવાઇડ કરે છે.
આ સ્પીકર વડે પહેરનાર વાહન ચલાવતી વખતે મ્યિઝિકનો આનંદ માણી શકે છે. કંપનીનું કહેવું છે કે મ્યુઝિક દરમિયાન પણ ડ્રાઈવર રસ્તા પર ચાલતા વ્હીકલ્સ અને હોર્નનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકશે.
ડ્રાઈવર આ હેલ્મેટને Ather Rizta ઇલેક્ટ્રિક સ્કૂટર અને સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકે છે. તેમાં કોલ રિસીવ અને ડિસ્કનેક્ટ કરવાની સુવિધા પણ છે.
આ સિવાય કંપનીએ તેમાં ચિટ-ચેટનો વિકલ્પ પણ આપ્યો છે. તેનો અર્થ એ કે જો બે લોકો હેલો હેલ્મેટ પહેરે છે, તો તેઓ ભીડવાળા વિસ્તારમાં પણ ડ્રાઇવિંગ કરતી વખતે કોઈપણ સમસ્યા વિના વાત કરી શકે છે.
રસપ્રદ વાત એ છે કે હેલ્મેટની અંદર હાજર વિવિધ સેન્સરની મદદથી તે પહેર્યા બાદ તે આપમેળે યુઝરના સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ જાય છે.
આ હેલ્મેટને તમે વાયરલેસ ચાર્જર વડે આસાનીથી ચાર્જ કરી શકો છો. આ સિવાય રિઝતા સ્કૂટરના બૂટમાં ચાર્જિંગ પ્લગ પણ આપવામાં આવ્યો છે. આ હેલ્મેટ અંડર સીટ બૂટમાં મૂકતાની સાથે જ ચાર્જર સાથે કનેક્ટ થઈ જાય છે.
જો કે, કંપનીએ આ હેલ્મેટમાં વપરાયેલી બેટરી અને ફુલ ચાર્જ થયા પછી કેટલો સમય ચાલશે તે અંગેની માહિતી શેર કરી નથી.