લખપતિ દીદી યોજના શું છે ? કોને લાભ મળે છે અને કેવી રીતે કરવી અરજી
નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન લખપતિ દીદી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે.
ચાલો જાણીએ લખપતિ દીદી યોજના શું છે અને તેના માટે કેવી રીતે અરજી કરવી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ 2023ના અવસર પર લખપતિ દીદી યોજના વિશે વાત કરી હતી.
લખપતિ દીદી યોજના દેશમાં મહિલાઓ માટે ચલાવવામાં આવતા સ્વ-સહાય ગ્રુપો સાથે સંબંધિત છે.
તેને ટૂંકમાં એસએચજી કહેવામાં આવે છે. આ ગ્રુપોમાં મહિલાઓની ભાગીદારી સૌથી વધુ છે. આ સ્વ-સહાય ગ્રુપોમાં બેંક વાલી દીદી, આંગણવાડી દીદી, દવા વાલી દીદીનો સમાવેશ થાય છે.
લખપતિ દીદી યોજના તેમના માટે એક કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ છે, જે દેશની આ દીદીઓને કૌશલ્યની તાલીમ આપીને પૈસા કમાવવા માટે સક્ષમ બનાવે છે.
લખપતિ દીદી યોજના આ મહિલાઓની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરે છે. તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવાની દિશા બતાવે છે.
આ યોજના હેઠળ 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
આ યોજના હેઠળ સરકાર દ્વારા મહિલાઓને પ્લમ્બિંગ, LED બલ્બ બનાવવા, ડ્રોન ચલાવવા અને રિપેરિંગ વગેરેની તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ કમાણી કરી શકે.
યોજના હેઠળ નાણાકીય સાક્ષરતા વર્કશોપ, બચત પ્રોત્સાહનો, માઇક્રોક્રેડિટ સુવિધાઓ, કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમ, ઉદ્યોગસાહસિકતા સહાય, વીમા કવરેજ, ડિજિટલ નાણાકીય સમાવેશ, સશક્તિકરણ અને આત્મવિશ્વાસ નિર્માણના કાર્યો શીખવવામાં આવે છે.
યોજનાનો લાભ મેળવવા માટે, મહિલા રાજ્યની કાયમી નિવાસી હોવી જોઈએ. આ સાથે મહિલા સ્વ-સહાય જૂથ સાથે જોડાયેલી હોવી જોઈએ.મહિલાની ઉંમર 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. મહિલાની વાર્ષિક આવક 3 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ.