દારુને પેગમાં જ કેમ માપવામાં આવે છે? જાણો શું છે તેની પાછળની કહાની

ભારતમાં દારુને પેગ રુપે કેમ માપવામાં આવે છે? તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ હકીકત એ છે કે ફક્ત ભારતમાં જ દારુનું માપન પેગના રુપે કરવામાં આવે છે. જોકે વૈશ્વિક સ્તરે તેને શૉટ્સ રુપે માપવામાં આવે છે.

શું તમે જાણો છો કે હકીકતમાં પેગ શું છે અને આ શબ્દની પાછળની કહાની શું છે? ચાલો જાણીએ ‘પેગ’ની એવી કહાની જે ખૂબ જ ઓછા લોકો જાણે છે. પેગ શબ્દનો અર્થ ‘કિંમતી સાંજનો ગ્લાસ’ છે. પેગનો શાબ્દિક અનુવાદ યુનાઇટેડ કિંગડમમાં ખાણ કામદારોની એક સદી જૂની કહાની સાથે જોડાયેલું છે. 

જોકે, આ તથ્યને પ્રમાણિત કરવા માટે વધારે કોઈ દસ્તાવેજી પુરાવા નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, દિવસભરના કામ બાદ ખાણ કામદારો પોતાના પેગને ‘પ્રેશિયસ ઇવનિંગ ગ્લાસ’ કહેતા હતાં.

યુનાઇટેડ કિંગડમમાં પેગની દુર્લભ કહાની છે, જેમાં ખાણ કામદારોને હાડ થીજવતી ઠંડીથી રાહત આપવા અને લાંબા દિવસ બાદ આરામ કરવા માટે બ્રાન્ડીની એક નાની બોટલ આપવામાં આવતી હતી. 

જોકે, ખાણ કામદારો બ્રાન્ડીના નાના ગ્લાસનો આનંદ લેવા માટે ઉત્સુકતાથી રાહ જોતા હતાં, તેથી તેઓએ તેને ‘કિંમતી સાંજનો ગ્લાસ’ કહ્યો, જ્યારબાદ તેને પેગના રુપમાં સંબોધિત કરવામાં આવ્યું હતું.

બ્રિટિશ રાજ દરમિયાન ડ્રિંકને ફક્ત બે એકમોમાં માપવામાં આવતુ હતું, એક નાનકડાં પેગ માટે 30 મિલીલીટર અને એક મોટા પેગ માટે 60 મિલિલીટર. તેનો ઉપયોગ સુવિધા માટે કરવામાં આવતો હતો અને બાદમાં આ પેગ ભારતીય સંસ્કૃતિનો ભાગ બની ગયો હતો. 

જોકે, આ અજીબ લાગી શકે છે, પરંતુ યુનાઇટેડ કિંગડમમાં દારુને 25 મિલીલીટર માટે સિંગલ અને 50 મિલીલીટર માટે ડબલ રુપે માપવામાં આવતુ હતું. તમે ભલે દારુ પીતા હોવ કે ન પીતા હોવ, પરંતુ તમે પટિયાલા પેગ વિશે તો સાંભળ્યું જ હશે. 

જો નથી સાંભળ્યુ તો બોલિવૂડના ગીતોમાં તો જરુર સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે આખરે તેને પટિયાલા પેગ જ કેમ બોલવામાં આવે છે? પટિયાલા પેગની શોધ પટિયાલાના મહારાજા ભૂપિંદર સિંહના દરબારમાં થઈ હતી, જેઓ એ1900 થી 1938 સુધી તત્કાલિન પટિયાલા રજવાડા પર શાસન કર્યુ હતું.

ઉત્તર ભારતના મોટાભાગના વ્હિસ્કી પ્રેમી માને છે કે, પટિયાલા પેગ કંઈક ખાસ છે. જેને 120 મિલીલીટર વ્હિસ્કીમાં થોડી સોડા અને બરફ સાથે પીરસવામાં આવે છે. 

પટિયાલા પેગ આ વાતની ગેરંટી છે કે, તેને પીધા બાદ વ્યક્તિ બીજા દિવસે સખત હેંગઓવર સાથે ઉઠે છે. રસપ્રદ વાત એ છે કે, તેને આ માટે જ બનાવવામાં આવતુ હતું.